મહાભારત - વિકિપીડિયા
મહાભારત | |
---|---|
![]() કુરુક્ષેત્ર યુદ્ધનાં ચિત્રની હસ્તપ્રત | |
માહિતી | |
ધર્મ | હિંદુ ધર્મ |
લેખક | વેદવ્યાસ |
ભાષા | સંસ્કૃત |
શ્લોકો | ૧,૦૦,૦૦૦ |

મહાભારત એ ઋષિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશ બે ભાઈઓના પુત્રો - પાંચ પાંડવો અને સો કૌરવો- વચ્ચે થયેલા ધર્મ અને અધર્મના યુધ્ધની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં ફેેેેેરવાઈ જાય છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમા અવતાર ભગવાન વાસુદેવ કૃષ્ણ, પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બને છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ્ ગીતા (અર્થ: ભગવાને ગાયેલું ગીત) કહે છે. મહર્ષિ વેદવ્યાસના પ્રિય શિષ્ય વૈશંપાયન દ્વારા જન્મેજયને આ કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી હતી, તેથી તેનું એક નામ જય-સંહિતા તરીકે પણ પ્રસિદ્ધ છે.
સૂર્ય સિદ્ધાન્ત ગ્રંથ પ્રમાણે કળિયુગના આરંભ ઇ.સ. પૂર્વ ૩૧૦૨, ૧૮ ફેબ્રુઆરીએ અડધી રાત્રે (00:00) થયો હતો.[૧] કળિયુગથી ૩૬ વર્ષ અને ૮ મહિના પહેલાં મહાભારત યુદ્ધ થયુ હતું.[૨] એટલે મહાભારતનું યુદ્ધ ઇ.સ.પૂર્વ ૩૧૩૮માં થયુ હતું, એવી માન્યતા છે.
મહાભારતનો સમય આર્યભટ્ટના આર્યભાટ્ટીયામ પ્રમાણે[૩]
षष्ट्यव्दानां षष्टिर्यदा व्यतीतास्त्रयश्च युगपादा:।
त्र्यधीका विंशतिरव्दास्तदेह मम जन्मनोडतीता:।
"અત્યાર સુધી ત્રણ યુગ ચાલ્યા ગયા છે અને હાલમાં કળિયુગ ચાલુ છે. અત્યારે કળિયુગનું ૩૬૦૦મુ વર્ષ ચાલુ છે અને હું અત્યારે ૨૩ વર્ષનો છું." આર્યભટ્ટનો જન્મ ઇ. સ. ૪૭૬માં થયો હતો. એટલે ૩૬૦૧ (૧ વર્ષ ચાલુ) - (૪૭૬ + ૨૩)= ઇ. સ. પૂર્વ. ૩૧૦૨. કળિયુગથી ૩૬ વર્ષ અને ૮ મહિના પહેલાં મહાભારત યુદ્ધ થયુ હતું.[૨] એટલે કે મહાભારતનું યુદ્ધ ઇ.સ.પૂર્વ ૩૧૩૮માં થયુ હતું.
સ્વયં વ્યાસજી આ ગ્રંથ માટે એમ લખે છે કે,
યદિહાસ્તિ તદન્યત્ર યન્નેહાસ્તિ ન તત્ ક્વચિત્
એટલે કે, જે આ ગ્રંથ મહાભારતમાં છે તે જ બીજા ગ્રંથોમાં છે, જે આ મહાભારતમાં નથી તે બીજા કોઈ ગ્રંથોમાં નથી, અર્થાત આ હિંદુ ધર્મનો એક ગ્રંથ જ નથી પણ એક શબ્દકોષ છે. જો કોઈ આ ગ્રંથ વાંચી જાય તો તેને હિન્દુ ધર્મનું પૂર્ણ જ્ઞાન થઇ જાય છે. આ ગ્રંથનું મૂળ નામ 'જય' ગ્રંથ હતુ અને પછી તે 'ભારત' અને ત્યાર બાદ 'મહાભારત' તરીકે ઓળખાયો. આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે. તે વિશ્વનો સૌથી મોટો (૧,૦૦,૦૦૦ શ્લોકો) સાહિત્યિક ગ્રંથ છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીય માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં એક લાખ શ્લોક છે જે ગ્રીક મહાકાવ્યો - ઇલિયડ અને ઓડિસીથી વીસ ગણા વધારે છે. મહાભારતમાં જ વિશ્વને માર્ગદર્શક એવી ભગવદ્ ગીતા સમાયેલી છે. મહાભારત ફક્ત ભારતીય મૂલ્યોનું સંકલન નથી પરંતુ તે હિંદુ ધર્મ અને વૈદિક પરંપરાનો સાર છે. મહાભારતની વિશાળતાનો અંદાજ તેના પ્રથમ પર્વમાં ઉલ્લેખાયેલ એક શ્લોકથી આવી શકે છે: "જે (વાત) અહીં (મહાભારતમાં) છે તે તમને સંસારમાં કોઈને કોઈ જગ્યાએ અવશ્ય મળી જશે, જે અહીં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય જોવા નહી મળે."
મહાભારત ફક્ત રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, મુનિઓ અને સાધુઓની વાર્તાથી વધીને અનેક ગણો વ્યાપક અને વિશાળ છે, તેના રચયિતા વેદવ્યાસનું કહેવુ છે કે મહાભારત ધર્મ, અર્થ, કામ, અને મોક્ષની કથા છે. કથાની સાર્થકતા મોક્ષ મેળવવાથી થાય છે જે સનાતન ધર્મ પ્રમાણે માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યુ છે.
કહેવાય છે કે આ મહાકાવ્ય, મહર્ષિ વેદવ્યાસ દ્વારા વર્ણવેલું અને શ્રી ગણેશ દ્વારા લખવામાં આવેલું છે. પ્રચલિત કથા મુજબ ગણેશે લખતા પહેલાં એવી શરત કરી કે તે લખશે પણ વચ્ચે વિશ્રામ નહી લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. તેથી વેદ વ્યાસે સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઈ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કશું જ લખવું નહી. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મૂક્યા છે. આ શ્લોક સમજતાં-લખતાં ગણેશજીને સમય લાગે ત્યાં સુધીમાં તેઓ આગળના શ્લોક વિચારી લેતા.
આ મહાકાવ્યની શરૂઆત એક નાની રચના 'જયગ્રંથ'થી થઈ છે. જો કે તેની કોઈ નિશ્ચિત તિથિ ખબર નથી, પરંતુ વૈદિક યુગમાં લગભગ ૧૪૦૦ ઇસવીસન પૂર્વનાં સમયમાં માનવામાં આવે છે. વિદ્વાનોએ તેની તિથિ નક્કી કરવા માટે તેમાં વર્ણવેલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિષે અભ્યાસ કર્યો અને તેને આશરે ઇ.સ.પૂર્વે ૩૦૬૭ની આસપાસ માનવામાં આવે છે, પરંતુ તેમાં મતભેદો છે.
આ કાવ્યમાં બૌદ્ધ ધર્મનુંં વર્ણન નથી, પણ જૈન ધર્મનું વર્ણન છે, આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધના સમય પહેલાંં ચોક્કસ પુરુ થઇ ગયું હતુ.[૪]
શલ્ય જે મહાભારતમાં કૌરવો તરફથી લડતો હતો તેને રામાયણના લવ અને કુશ પછીની ૫૦મી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઈ વિદ્વાનો મહાભારતનો સમય રામાયણ પછી ૧૦૦૦ વર્ષ પછીનો માને છે. સમય ગમે તે હોય પરંતુ આ જ મહાકાવ્યો પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે જે પાછળથી હિંદુ ધર્મનો આધુનિક આધાર બન્યો છે.
આર્યભટ્ટના મુજબ મહાભારત યુદ્ધ ૩૧૩૭ ઈ.સ.પૂર્વેમાં થયુ. કળિયુગની શરૂઆત આ યુદ્ધના પછી (કૃષ્ણના દેહત્યાગ) પછી થઈ.
મોટાભાગના પૌરાણિક ગ્રંથોની જેમ આ મહાકાવ્ય પણ પહેલાની વાચિક પરંપરા દ્વારા આપણા સુધી પેઢી દર પેઢી પહોંચ્યું. પછી પ્રિન્ટીંગ પ્રેસ (છપાઈ)ના વિકાસ થયા પહેલાંં તેના ઘણા ભૌગોલિક સંસ્કરણ થઇ ગયા હતા જેમાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મૂળ ગ્રંથમાં નથી મળતા અથવા તો જુદા રૂપમાં જોવા મળે છે.
મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુરના રાજ્ય માટે બે વંશજો - કૌરવ અને પાંડવ વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુનો વિસ્તાર આજના ગંગાથી ઉત્તર-યમુનાની આસપાસનો દોઆબના વિસ્તારને માનવામાં આવે છે, જ્યાં આજનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજના હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રની આસપાસ થયું હશે એમ માનવામાં આવે છે જેમાં પાંડવોનો વિજય થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ પરત જવા પછી યદુવંશના નાશ અને પાંડવોના સ્વર્ગારોહણ સાથે થાય છે. મહાભારતના અંત પછીથી કળિયુગનો આરંભ માનવામાં આવે છે. કારણકે આનાથી મહાભારતની અઢાર દિવસની લડાઈમાં સત્યની હાનિ થઈ હતી. કળિયુગને હિન્દુ માન્યતા અનુસાર સૌથી અધમયુગ માનવામાં આવે છે. જેમાં તમામ પ્રકારના મૂલ્યોનો નાશ થાય છે, અને અંતે કલ્કિ નામક વિષ્ણુનો અવતાર થશે અને આ બધાથી આપણી રક્ષા કરશે.
મહાભારતની કથામાં એકસાથે ઘણી બધી કથાઓ વણાયેલી છે, જેમાંની મુખ્ય કથાઓ નીચે મુજબ છે:
કર્ણની કથા: કર્ણ એક મહાન યોદ્ધા હતો પરંતુ પોતાના ગુરુ પાસે ઓળખ છુપાવવાના કારણે તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. કર્ણ કુંતીનો પુત્ર હતો. તે યુધિષ્ઠિરનો મોટો ભાઈ હતો. કુંતીએ લગ્ન પહેલાંં તેને મળેલાં વરદાનની પરખ કરવાં સૂર્ય દેવનું અહ્વાન કરતાં કર્ણની પ્રાપ્તિ થઇ હતી. બદનામીથી બચવા તેણે કર્ણને કાવડીમાંં મૂકી નદીમાંં તરતો મૂકી દીધો હતો. રાધા નામની દાસીએ તેને ઉછેરીને મોટો કર્યો તેથી તે રાધેય તરીકે પણ ઓળખાયો. કર્ણ કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો જેને કોઈ અસ્ત્ર કે શસ્ત્ર તેને ભેદી શકે નહિ. કર્ણ દાનેશ્વરી હતો અને પોતાને આંગણે આવેલા કોઈ પણ યાચકને તે ખાલી હાથે જવા દેતો નહીં, તેની આ વિશેષતાનો લાભ લઇને ઇન્દ્રએ(શ્રીકૃષ્ણના કહેવાથી[સંદર્ભ આપો]) કપટથી ભિક્ષુક બની તેના કવચ અને કુંડળ દાનમાં માગી લીધા હતા નહિંતર કુરુક્ષેત્રનાં યુદ્ધમાં તેને હરાવવો ઘણું અઘરું થઈ પડ્યું હોત.
ભીષ્મની કથા: જેમણે પોતાના ઉત્તરાધિકારનું રાજપાટ પોતાના પિતાની ખુશી માટે ત્યાગી દીધુંં હતું, કારણકે, તેમના પિતા શંતનુને એક માછીમાર કન્યા સાથે વિવાહ કરવો હતો. ભીષ્મએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને પિતા શંતનુ દ્વારા ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું.
ભીમની કથા: જેઓ પાંચ પાંડવોમાનાં એક હતા અને પોતાના બળ અને સ્વામીભક્તિના કારણે ઓળખાતા હતા.
યુધિષ્ઠિરની કથા: યુધિષ્ઠિર પાંચ પાંડવોમાં સૌથી મોટા હતા અને તેમને ધર્મરાજના નામે પણ ઓળખવામાં આવતા હતા. એવું કહેવામાં આવતું હતું એમણે એમના જીવન દરમિયાન તેમણે ક્યારેય જુઠું બોલ્યા નહોતા અને માત્ર એક જ વખત કૃષ્ણના કારણે તેમણે જુઠ્ઠું બોલવું પડ્યું હતું.
ભારત દેશના સ્થાપક ભરતના વંશજ શંતનુ હસ્તિનાપુરમાં રાજ કરતા હોય છે અને તેમને ગંગાથી આઠ પુત્રો થાય છે. લગ્ન પૂર્વેની શરત મુજબ ગંગા તેના સાત પુત્રોને નદીમાં પધરાવી દે છે પરંતુ આઠમા પુત્રને વહાવતાંં શંતનુ તેને રોકી લે છે અને તેને દેવવ્રત નામ આપી મોટો કરે છે અને દેવવ્રત યુવરાજ થાય છે.

ત્યારબાદ શંતનુ માછીમારની કન્યા સત્યવતીને પરણે છે ત્યારે સત્યવતીના પિતા તેમની પાસેથી વચન લે છે કે સત્યવતીનો પુત્ર ભવિષ્યમાં હસ્તિનાપુરનો રાજા થાય એટલું જ નહિ પરંતુ તેનો જ વંશ રાજગાદી પર રહે અને તત્કાલીન યુવરાજ દેવવ્રતના વંશને રાજગાદી મળે નહી. પિતાની ખુશી માટે દેવવ્રત યુવરાજ પદનો ત્યાગ કરે છે અને પોતાનો વંશ ભવિષ્યમાં રાજ્યનો હિસ્સો માંગે નહીંં આથી આજીવન લગ્ન ન કરવા માટે પ્રતિજ્ઞા લે છે. આવી ભીષ્મ (ભીષણ) પ્રતિજ્ઞા તેમણે લીધી હોવાથી તેમનું નામ ભીષ્મ પડે છે.
સત્યવતીના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવિર્યના લગ્ન માટે ભીષ્મ ત્રણ રાજકન્યાઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરે છે અને અંબિકા અને અંબાલિકાના લગ્ન વિચિત્રવિર્ય સાથે થાય છે જ્યારે અંબા ભીષ્મને પોતાની સાથે પરણવા પ્રસ્તાવ કરે છે પરંતુ પ્રતિજ્ઞાથી બંધાયેલ ભીષ્મ તેની સાથે લગ્ન કરી શકતા નથી.
ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય પુત્ર પામ્યા વગર જ રોગથી અકાળે મરણ પામે છે; ત્યારે સત્યવતી (માતા) વંશ માટે ફરીથી ભીષ્મને લગ્ન માટે સુચવે છે જે પ્રસ્તાવ ભીષ્મ ઠુકરાવી દે છે.
સત્યવતી અને પરાશર મુનિના ઔરસ પુત્ર વેદવ્યાસ અંબિકા, અંબાલિકા અને એક દાસીને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવે છે જેમાં અંબિકાનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ પેદા થાય છે; અંબાલિકાનો પુત્ર પાંડુ રોગી જન્મે છે અને દાસીનો પુત્ર વિદુર તંદુરસ્ત જન્મે છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ગાદીવારસ તરીકે જયેષ્ઠ હોવા છતાંં અયોગ્ય ઠરે છે અને પાંડુ હસ્તિનાપુરનો રાજા બને છે.
પાંડુને બે પત્ની હતી - કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર,(અફઘાનિસ્તાન)ના રાજાની પુત્રી ગાંધારી સાથે થાય છે. તેનો ભાઈ શકુની મહાભારતના સમયકાળ દરમિયાન ગાંધારી સાથે હસ્તિનાપુરમાં જ રહેતો હોય છે.
કુંતી દુર્વાસા મુનિના વરદાનથી કોઈ પણ દેવનો પુત્ર પ્રાપ્ત કરી શકે છે, અને લગ્ન પહેલાંં સૂર્યનો ઔરસ પુત્ર કર્ણ તેને જન્મે છે જેનો તેણે નદીમાં વહાવી ત્યાગ કર્યો હતો.
પાંડુ પોતાના અંતકાળ દરમિયાન વનમાં સન્યાસી જીવન જીવવા જાય છે. તે દરમિયાન કુંતી પોતાના વરદાન વડે યમ, ઇન્દ્ર અને વાયુ દેવથી અનુક્રમે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ પુત્રોને જન્મ આપે છે. જ્યારે કુંતીના વરદાનની મદદથી માદ્રી અશ્વિની કુમારો દ્વારા નકુલ અને સહદેવને જન્મ આપે છે. પુત્રોના થોડા મોટા થયા બાદ પાંડુ મૃત્યુ પામે છે અને માદ્રી તેની પાછળ સતી થાય છે.
હસ્તિનાપુરમાં ત્યારે ધૃતરાષ્ટ્ર કારભાર સંભાળતો હતો અને તેને ગાંધારીથી દુર્યોધન, દુઃશાસન આદિ ૧૦૦ પુત્રો થાય છે.


- આદિપર્વ - પરિચય, રાજકુમારોનો જન્મ અને લાલન-પાલન
- સભાપર્વ - મય દાનવ દ્વારા ઇન્દ્રપ્રસ્થ ભવનનું નિર્માણ. દરબારની ઝલક, દ્યૂત ક્રીડા અને પાંડવોનો વનવાસ
- અરયણ્કપર્વ (અરણ્યપર્વ) - વનમાં ૧૨ વર્ષનું જીવન
- વિરાટપર્વ - રાજા વિરાટના રાજ્યમાં પાંડવોનો અજ્ઞાતવાસ
- ઉદ્યોગપર્વ- યુદ્ધની તૈયારી
- ભીષ્મપર્વ - મહાભારત યુદ્ધનો પહેલો ભાગ, ભીષ્મ કૌરવોનાં સેનાપતિ (આ પર્વ માં ભગવદ્ ગીતા આવે છે)
- દ્રોણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ દ્રોણ
- કર્ણપર્વ - યુદ્ધમાં કૌરવોનાં સેનાપતિ કર્ણ
- શલ્યપર્વ - યુદ્ધનો અંતિમ ભાગ, શલ્ય સેનાપતિ
- સૌપ્તિકપર્વ - અશ્વત્થામા અને બચેલા કૌરવો દ્વારા રાતે સૂતેલી પાંડવ સેનાનો વધ
- સ્ત્રીપર્વ - ગાંધારી અને અન્ય સ્ત્રીઓ દ્વારા મૃત સ્વજનો માટે શોક
- શાંતિપર્વ - યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક અને ભીષ્મનો દિશા-નિર્દેશ
- અનુશાસનપર્વ - ભીષ્મનો અંતિમ ઉપદેશ
- અશ્વમેધિકાપર્વ - યુધિષ્ઠિર દ્વારા અશ્વમેધ યજ્ઞનું આયોજન
- આશ્રમ્વાસિકાપર્વ - ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનું વનમાં વાનપ્રસ્થાશ્રમ માટે પ્રસ્થાન
- મૌસુલપર્વ - યાદવોની પરસ્પર લડાઈ
- મહાપ્રસ્થાનિકપર્વ - યુધિષ્ઠિર અને તેના ભાઈઓની સદ્ગતિનો પ્રથમ ભાગ
- સ્વર્ગારોહણપર્વ - પાંડવોની સ્વર્ગ યાત્રા
આ સિવાય ૧૬૩૭૫ શ્લોકોનો એક ઉપગ્રંથ હરિવંશ પણ છે જેને મહાભારતની પૂરવણી ગણવામાં આવે છે. આ ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની લીલાઓનું વર્ણન છે.
મહાભારતના ઘણા ભાગ છે જે પોતપોતાની રીતે એક અલગ ગ્રંથ તરીકેનો દરજ્જો પામેલા છે અને પ્રખ્યાત છે. મુખ્ય મહાભારતથી આ ગ્રંથોને અલગ જ મહત્વ આપવામાં આવે છે:
- ભગવદ્ ગીતા : શ્રી કૃષ્ણ દ્વારા ભીષ્મપર્વમાં અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ.
- નલ દમયન્તી : અરણ્યકપર્વમાં એક પ્રેમકથા.
- કૃષ્ણવાર્તા : ભગવાન શ્રી કૃષ્ણની કથા.
- રામાયણ : અરણ્યકપર્વમાં રામની કથા એક સંક્ષિપ્ત રૂપમાં.
- ઋષ્યશૃંગ : એક ૠષિની પ્રેમકથા.
- વિષ્ણુ સહસ્રનામ : વિષ્ણુનાં ૧૦૦૦ નામોનો મહિમા, શાંતિપર્વમાં.
કહેવાય છે કે મહાભારતમાં વેદો અને અન્ય હિન્દુ ગ્રંથોનો સાર નિહિત છે. અને સત્ય એ પણ છે કે આ ગ્રંથમાં એક બીજાથી જોડાયેલ ઘણી વાતો, દેવી દેવતાઓના જન્મની વાતો, પૌરાણિક અને બ્રહ્માંડને લગતી ઘટનાઓ, દાર્શનિક રસ સમેત જીવનમાં દરેક રીતે સમાહિત છે. આ વાતો સામાન્ય રીતે બાળકોને શીખવવામાં આવે છે, અને ઘર તેમ જ અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં સામેલ કરવામાં આવે છે. મહાભારત કહે છે કે જેમણે આ નહીં વાંચ્યું હોય, એની આધ્યાત્મિક અને યોગિક ખોજ અધૂરી જ રહે છે.
૧૯૮૦ની આસપાસ મહાભારત ભારતમાં ટેલિવિઝનના પડદા પર પહેલી વાર દૂરદર્શનના માધ્યમ દ્વારા ઘર-ઘરમાં આવ્યું અને અભૂતપૂર્વ રજૂઆતથી અત્યંત લોકપ્રિય થયું. ૧૯૮૯માં પહેલી વાર એના પર ફિલ્મ બની જે પીટર બ્રુકે બનાવી હતી.
- અભિમન્યુ : અર્જુનનો વીર પુત્ર કે જે કુરુક્ષેત્રનાં યુદ્ધમાં વીરગતિ પામ્યો.
- અંબા : અંબાલિકા અને અંબિકાની બહેન, જેણે પોતાનાં અપહરણનાં વિરોધમાં આત્મહત્યા કરી હતી અને બીજા જન્મમાં શિખંડી તરિકે જન્મી હતી.
- અંબિકા : વિચિત્રવીર્યની પત્ની, અંબા અને અંબાલિકાની બહેન, ધૃતરાષ્ટ્રની માતા.
- અંબાલિકા : વિચિત્રવીર્યની પત્ની, અંબિકા અને અંબાની બહેન, પાંડુરાજાની માતા.
- અર્જુન : દેવરાજ ઇન્દ્ર દ્વારા કુંતી અને પાંડુનો પુત્ર, એક અદ્વિતિય ધનુર્ધર, કૃષ્ણનો પરમ મિત્ર જેને ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો.
- બભ્રુવાહન : અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર.
- બકાસુર : એક અસુર જેને મારીને ભીમે ગામના લોકોનું રક્ષણ કર્યું હતું.
- ભીષ્મ : મૂળ નામ દેવવ્રત, શંતનુ અને ગંગાનો પુત્ર, પોતાના પિતાના પુનર્લગ્ન ન અટકે તે આશયથી તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની (ભિષણ/ભીષ્મ) પ્રતિજ્ઞા લીધી ત્યારથી તેઓ ભીષ્મના નામે ઓળખાયા.
- દ્રૌપદી : દ્રુપદની પુત્રી જે અગ્નિમાંથી પ્રગટ થઇ હતી. દ્રૌપદી પાંચ પાંડવોની અર્ધાંગિની હતી. ભગવાન કૃષ્ણની પરમ સખી હતી માટે તેનું એક નામ કૃષ્ણા પણ છે.
- દ્રોણ : હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શિખવનારા બ્રાહ્મણ ગુરુ. અશ્વત્થામાના પિતા.
- દ્રુપદ : પાંચાલનાં રાજા અને દ્રૌપદી તથા ધૃષ્ટદ્યુમ્નના પિતા. દ્રુપદ અને દ્રોણ બાળપણમાં મિત્રો હતાં.
- દુર્યોધન : કૌરવોમાં સૌથી મોટો, હસ્તિનાપુરની ગાદીનો દાવો કરનાર, ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીનાં ૧૦૦ પુત્રોમાં સૌથી મોટો.
- દુઃશાસન : દુર્યોધનથી નાનો ભાઈ જે હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીના વાળ પકડી તેને ઢસડીને લાવ્યો હતો.
- એકલવ્ય : ક્ષુદ્ર કુળમાં જન્મેલો દ્રોણનો એક મહાન(પરોક્ષ) શિષ્ય જેની પાસેથી ગુરુ દ્રોણે ગુરુદક્ષિણા રૂપે જમણો અંગૂઠો માંગી લીધો હતો.
- ગાંડીવ : અર્જુનનું ધનુષ્ય.
- ગાંધારી : ગંધાર રાજની રાજકુમારી અને ધૃતરાષ્ટ્રની પત્ની.
- જયદ્રથ : સિન્ધુનો રાજા અને ધૃતરાષ્ટ્રનો જમાઈ, જેનો અર્જુને કુરુક્ષેત્ર યુદ્ધમાં શિરોચ્છેદ કર્યો હતો.
- કર્ણ : સૂર્યદેવના આહ્વાનથી કુંતીએ કૌમાર્ય દરમ્યાન પ્રાપ્ત કરેલો પુત્ર, જે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો. દાનવીર કર્ણ તરીકે પ્રખ્યાત, જેનો ઉછેર રાધા નામની દાસીએ કર્યો હોવાથી રાધેય અને દાસીપુત્રના નામે પણ તે ઓળખાયો.
- કૃપાચાર્ય : હસ્તિનાપુરના બ્રાહ્મણ ગુરુ જેમની બહેન 'કૃપિ'નાં લગ્ન દ્રોણ સાથે થયાં હતાં.
- કૃષ્ણ : પરમેશ્વર પોતે જે દેવકીના આઠમા સંતાન રૂપે અવતર્યા અને દુષ્ટ મામા કંસનો વધ કર્યો.
- કુરુક્ષેત્ર : જ્યાં મહાભારતનું મહાન યુદ્ધ થયું હતું તે ભૂમિ જે આજે પણ ભારતમાં તે જ નામે પ્રચલિત છે.
- પાંડવ : પાંડુ તથા કુંતિ અને માદ્રીનાં પુત્રો: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ.
- પરશુરામ : અર્થાત્ પરશુ(ફરસ)વાળા રામ. જે દ્રોણ, ભીષ્મ અને કર્ણ જેવા મહારથીઓના ગુરુ હતા, વિષ્ણુના એક અવતાર જેણે પૃથ્વીને ૨૧ વખત ક્ષત્રિયવિહોણી કરી હતી.
- શલ્ય : નકુલ અને સહદેવની માતા માદ્રીનાં ભાઈ.
- ઉત્તરા : રાજા વિરાટની પુત્રી અને અર્જુનના પુત્ર અભિમન્યુની પત્ની.
- મહર્ષિ વ્યાસ : મહાભારતના રચયિતા, પરાશર અને સત્યવતીનાં પુત્ર. તેમને કૃષ્ણ દ્વૈપાયનનાં નામે પણ ઓળખવામાં આવે છે કેમકે કૃષ્ણ વર્ણના હતા અને તેમનો જન્મ એક દ્વીપ ઉપર થયો હતો
- ધૃતરાષ્ટ્ર : કૌરવોના પિતા તથા મહાભારતના યુદ્ધ સમયે હસ્તિનાપુરના રાજા.
- કુંતી/પૃથા: પાંડવોની માતા.
- ઘટોત્કચ : ભીમ અને હિડિંબાનો પુત્ર, જેને મારવા માટે કર્ણએ ઇન્દ્ર પાસેથી વરદાનમાં મળેલું બાણ વાપરવું પડયું. તે બાણ કર્ણ અર્જુન માટે રાખવા ઇચ્છતો હતો.
- બર્બરીક : ઘટોત્કચનો પુત્ર.
સંજ્ઞાસૂચિ
- પુરુષ: ભૂરી કિનારી
- સ્ત્રી: લાલ કિનારી
- પાંડવો: લીલું ચોકઠું
- કૌરવો: પીળું ચોકઠું
નોંધ
- ક : શંતનુ કુરુ વંશનો રાજવી હતો, તેનાં પૂર્વજ કુરુનાં નામે આ વંશ ઓળખાયો. તેનાં લગ્ન ગંગા સાથે અને પછી સત્યવતી સાથે થયેલાં.
- ખ : પાંડુ અને ધૃતરાષ્ટ્ર વિચિત્રવિર્યના મૃત્યુ બાદ વ્યાસ દ્વારા જન્મેલા પુત્રો હતા. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એ વ્યાસ વડે અનુક્રમે અંબિકા, અંબાલિકા અને દાસીની કુખે જન્મેલા પુત્રો હતા.
- ગ : કર્ણ કુંતીના પાંડુ સાથે લગ્ન થયા તે પહેલા સૂર્ય દેવ દ્વારા જન્મ્યો હતો.
- ઘ : યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પાંડુના પુત્રો તરીકે જાણીતા છે પરંતુ તે બધા જ કુંતીએ વિવિધ દેવોનું આવાહન કરીને મેળવેલા હતા. તે પાંચે ભાઈઓના લગ્ન દ્રૌપદી સાથે થયા હતા (દ્રૌપદી ઉપરની વંશાવલીમાં દર્શાવવામાં આવી નથી).
- ચ : દુર્યોધન અને તેના સગા બહેન-ભાઈઓ એક જ સમયે જન્મ્યા હતા. તેઓ તેમના પિતરાઈ પાંડવોના સમવયસ્ક જ હતા.
ઇંડોનેશિયા અને અન્ય દેશોમાં પણ મહાભારતનુ સ્થાનિક સંસ્કરણ છે. ઇંડોનેશિયામાં આ કાવી ભાષામાં છે.
- ↑ The Induand the Rg-Veda, Page 16, By Egbert Richter-Ushanas, ISBN 81-208-1405-3
- ↑ ૨.૦ ૨.૧ Age of Bhārata War edited by Giriwar Charan Agarwala. p.74.
- ↑ Critical Perspectives on the Mahābhārata edited by Arjunsinh K. Parmar. p.147
- ↑ પુસ્તક સંદર્ભ: પાંડે, સુષમિતા (૨૦૦૧). ed:ગોવિન્દ ચન્દ્ર પાંડે: "Religious Movements in the Mahabharata” (પુસ્તકઃCentre of Studies in Civilizations), નવી દિલ્હી. આઇએસબીએન ૮૧-૮૭૫૮૬-૦૭-૦.
- ગુજરાતીમાં મહાભારત-ઓન લાઈન-ફ્રી
- સ્વર્ગારોહણ - મહાભારતના મુખ્ય પ્રસંગો ગુજરાતીમાં, પાત્રોનો પરિચય, તથા સંપૂર્ણ મહાભારત ગ્રંથ સંસ્કૃતમાં PDF સ્વરૂપે સંગ્રહિત ૨૦૦૬-૦૨-૨૧ ના રોજ વેબેક મશિન
- મહાભારત વિષે સંદર્ભ સાહિત્ય
- સંસ્કૃત મહાભારત - જે લેખિત અને શ્રાવ્ય રૂપમાં ડાઉનલોડ કરી શકાય તેમ છે. આ ઉપરાંત અંગ્રેજીમાં અનુવાદ પણ ઉપલબ્ધ છે.
- મહાભરત ઑનલાઇન
- ઇલેક્ટ્રોનિક ગ્રંથ સંગ્રહિત ૨૦૧૦-૦૩-૨૩ ના રોજ વેબેક મશિન
- ઑનલાઇન મહાભારત સંગ્રહિત ૨૦૧૦-૧૧-૦૭ ના રોજ વેબેક મશિન
કિસરી મોહન ગાંગુલીએ અનુવાદ કરેલું મહાભારત (સૌ પ્રથમ અંગ્રેજી અનુવાદ, જે આજે પણ સંદર્ભ સાહિત્ય તરિકે ગણતરીમાં લેવાય છે)
- at sacred-texts.com
- at bharatadesam.com
- અંગ્રેજીમાં મહાભારતનાં ૧૮ પર્વો સંગ્રહિત ૨૦૦૮-૦૩-૧૯ ના રોજ વેબેક મશિન
મહાભારત વિષયક અન્ય લેખો
ચિત્રપટ
- ધ મહાભારત ૧૯૮૯, પિટર બ્રુક દ્વારા દિગ્દર્શિત ચિત્રપટ.
- કલયુગ ૧૯૮૦, શ્યામ બેનેગલ દ્વારા દિગ્દર્શિત ચિત્રપટ જેમાં આધુનિક સમયમાં એક ધબકતા ઉદ્યોગનાં બે વારસદાર કુટુંબો વચ્ચેનો સંઘર્ષ મહાભારતનાં સંદર્ભમાં કટાક્ષમય રીતે રજુ કરવામાં આવ્યો છે.
- મહાભારતનાં ૧૮ પર્વો સંગ્રહિત ૨૦૦૮-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન સંસ્કૃત-દેવનાગરીમાં.